નોખાપણું વરવુંજી

નોખાં ફરવું, નોખાં તરવું શીદને નોખાં મરવુંજી,
માણસ કેરી જાત મહીં છે, નોખાપણું વરવુંજી.

માણસપણું ઘટી પડે ત્યાં ભેદભાવ રે જાગ્યાજી,
આપણાં લોકો નોખાં થઈને આપણને જ વાગ્યાજી.
ઝબકરો છે જીવતર આ નોખાં થઈ શું ધરવુંજી?
અંધારમાં સંગાથ ભીડી ભવસાગરમાં તરવુંજી.
માણસ કેરી જાત મહીં છે, નોખાપણું વરવુંજી.

ભેગું કરવું, ભાગ પડાવવા મહી લોકો લાગ્યાંજી.
માટે તો ભાઈ ભાગ તમારા જીવ લઈને ભાગ્યાજી.
ભેગા થાવને, માતર ભેગું જ શીદને કરવુંજી,
જ્યાં આજ ઉગ્યા ને કાલ છે ભાઈ ખરવુંજી.
માણસ કેરી જાત મહીં છે, નોખાપણું વરવુંજી.

Advertisements

જીવતર એટલે

જીવતર એટલે અમથા અમથા ગમી જવાની વાત છે,
હો નવશીખીયા કે ના આવડે તોય, રમી જવાની વાત છે.

ક્યાં નીકળવું, ક્યાં અટકવું આની સમજણ કસ્તુરી છે,
શું ભીતર ઝાંખી, ના જોવાની આપણી કોઈ મજબૂરી છે? 
પડે નમવું તો ભાઈ નમી જવાનું, નમી જવાની વાત છે,
હો નવશીખીયા કે ના આવડે તો યે રમી જવાની વાત છે.

ધીરજ ધરવી, કહો ધબકારાને, ધીમે ધીમે, કરો ખમૈયા,
છકી જવું નહીં, બળી જવું નહીં, જીવતર મોંઘુ નહીં રુપૈયા.
ગમતા શીખવું, ખમતા શીખવું, ખમી જવાની વાત છે,
હો નવશીખીયા કે ના આવડે તો યે રમી જવાની વાત છે.

જંગલ આવે કે ઉપવન હસતાં રહેવું શરત છે પહેલી,
આખી દુનિયા વાટ જુવે છે, ઓળંગીને જુઓ ઘરની ડેલી.
પગરવ જઈ પગને સંભળાવી, કહો ભમી જવાની વાત છે,
હો નવશીખીયા કે ના આવડે તો યે રમી જવાની વાત છે.

મિયાંભઈ કી જમીદારી ને ગય બાપુઉ કે રજવાળે

મિયાંભઈ કી જમીદારી ને ગય બાપુઉ કે રજવાળે,
ઈસ્ત્રી ટાઈટ પેન્ટ પે’રતે પણ પીછે દિખતે પીછવાડે.

એ જ તુમાખી બાપુ હેગે, હે નવાબુ કી હોશિયારી,
આખે ગોમ મેં કોઈ દેતા ની ઇનુકૂ હવે તો ઘર ભાડે.

સાંજ કુ સાલા ચા ખાયગે? એ મુસીબત હેગી ને,
અમારે બાપદાદા કુ તો લોગ દે જાતે લે ભર ગાડે.

બાપુ હેંગે અપણું સી ના હોય મજૂરી, કડિયાકામ,
મર જાય જદ બી અમારે છોકરે ઊંચકે ના તગારે.

ચા થી જાહોજલાલી, સરકારું કા નિખ્ખોદ જાય,
મે’ફીલુ મેં આવતે થે, એ લોક નાઠ જાતે પરભારે.

અલ્લાહ તમુકું સો બેટું કા બાપ કરે

જીતે બી ગુનાહ હોય તમારે, મેરા અલ્લાહ માફ કરે,
મેરી દુઆ હેગી અલ્લાહ તમુકું સો બેટું કા બાપ કરે.

રોજી કા રજ્જાક અલ્લાહ હે, ને એ જ ખિલાયગા,
અપણે એસી મેનત કરનેકી કે મરદ હોણે કી છાપ પડે.
મેરી દુઆ હેગી, અલ્લાહ તમુકું સો બેટું કા બાપ કરે.

બીલગે રેણે કા, આખું સામી જ નિશાના રાખણે કા,
નીચા નિશાન રાખણે કા વલી અપણે કાયકુ પાપ કરે?
મેરી દુઆ હેગી, અલ્લાહ તમુકું સો બેટું કા બાપ કરે.

એકાદી ઓછી પડતી હોય તો કો મના હે અપણે મેં,
એતી બાયડીયા લાવણે કી જે ના ગીણે,ના માપ કરે.
મેરી દુઆ હેગી, અલ્લાહ તમુકું સો બેટું કા બાપ કરે.

થયા છે કાનજી તો TROL.

રાધાના સ્ટેટસ પર કોમેન્ટમાં કાનજીએ લખ્યું જ્યાં LOL,
આખીયે દ્વારિકામાં ચર્ચા એની ને થયા છે કાનજી તો TROL.

કાનજી સરપ્રાઈઝ છે, રાધાને વાંધો ના, રાધા તો મારી છે FRIEND,
લોકોનું કહેવું છે,માપમાં રેવાનું આવા મેસેજ ના કરવાના SEND.
કાનજી વિરોધ થકી દ્વારકાની ચૂંટણીમાં કુદવાનો સેટ છે રે GOAL,
આખીયે દ્વારિકામાં ચર્ચા એની ને થયા છે કાનજી તો TROL.

સતયુગથી કળિયુગની લાંબી સફરમાં માનસે આટલી કરી છે PROGRESS,
એવી કેવી લાગણીઓ ઢીલી ને પોચી કે વાગી જાય વાતવાતમાં ઠેસ?

મોડર્ન હોવાનાં હવે ધખારા મેલો ને ડૂબી મરો ડોબાઓ ભરીને ડોલ,
આખીયે દ્વારિકામાં ચર્ચા એની ને થયા છે કાનજી તો ટ્રોલ.

સાલી હુલ્લડોમાં તકલીફ પડે છે

દરેક હિન્દૂને તિલક અને મુસલમાનને દાઢી,
ઈસાઈને ક્રોસ અને શીખને ફરજિયાત કરી દો પાઘડી.
સાલી હુલ્લડોમાં તકલીફ પડે છે.
.
કરો દાખલ પાઠ્યપુસ્તકોમાં 
ખૂન કરવાની કળા, ઘર બાળવાની કળા
સ્ત્રીઓની ઈજ્જત લૂંટવાની કળા
અને બાળકોને ચીરી જીવતાં ભૂંજી નાખવાની કળાના પાઠો..
સાલી હુલ્લડોમાં તકલીફ પડે છે.
.
રાખો નોખી ધર્મ દીઠ વસાહતો,
અને એમાં કોમન પ્લોટની જગ્યાએ હુલ્લડ પ્લોટ
પ્રતિબંધિત હવે હુલ્લડોમાં ઘરોમાં સંતાવું
મરવા ભેગા હુલ્લડ પ્લોટમાં થાવું
સાલી હુલ્લડોમાં તકલીફ પડે છે.
.
નિયમિત ઘડો સમય પત્રક હુલ્લળોનું,
અને
શરતચૂક ચાંપો પલિતો,
રાખો અમલદારો હુલ્લડો કેરા,
ચુકે જો ફરજ તો ઉઠાવો ભાઈ ડેરા.
કલા આ હુલ્લડો કેરી એવી ફૂલેફાલે,
થવું જોઈએ દેશનું રોશન નામ દુનિયામાં કાલે.
.
ગમે તે કરો
પણ હવે પછીથી કોઈ મારે જોઈએ ના ફરિયાદ આવી
કે
“સાલી હુલ્લડોમાં તકલીફ પડે છે.”

શરૂ કરી દો સતીપ્રથા

શરૂ કરી દો સતીપ્રથા,
કરી દો દૂધપીતી ફરીથી,
ગર્ભપાતની કાયદેસર,
ને
લાજ, પડદો અને કાઢો બુરખો,
પુરી દો
એને રસોડાની ચાર દીવાલોમાં
કારણ કે
દીકરીને
કેટલું જીવવું?

આ દેશમાં
જીવનદાતાને બદલે
દરિન્દાઓ નક્કી કરી રહ્યા છે.